Archive

Archive for the ‘મરીઝ’ Category

ચૂંટેલા શેર – ૪

અસર આવી નથી જોઇ, મે વર્ષોની ઇબાદતમાં,
ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.

———————————–

એક વાત કહી રહ્યો છુ સાહિત્યના વિષયમાં,
દુ:ખમાં હ્રદયને રાખો, રાખો ન દુ:ખ હ્રદયમાં.

———————————–

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી

———————————–

—  મરીઝ  —

Categories: મરીઝ

ચૂંટેલા શેર – ૩

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું
મ્રૂત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.

———————————–

કહો દુષ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

—————————————

કરવી છે વહેંચણી તો માર્ગ હું બતાવું,
દુનિયા બધી તમારી, પરવરદિગાર મારો.

————————————–

તે દ્વાર પરના હળવા ટકોરા તો રદ થયા,
શાયદ એ સાંભળી લે, જો માથું પછાડીયે.

————————————-

નશો ક્યાં છે, નશાનું તો અમસ્તુ નામ છે સાકી,
હવે પીધાં પછી પણ દિલને ક્યાં આરામ છે સાકી.

———————————–

— મરીઝ  —

Categories: મરીઝ

ચૂંટેલા શેર – ૨

’મરીઝ’ એવાય લોકોને ઘણી વેળા દુ:ખી જોયા
કશી પણ જેમને તકલીફ દુનિયામા નથી હોતી

—————————————–

હજી કાચી હશે સમજણ અમારી,
હજી અમને અનુભવ થઇ રહ્યા છે.

———————————-

મોત વેળાની આ અય્યાશી નથી ગમતી ’મરીઝ’
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

————————————

કેવી મજાની ચીજ છે વ્યહવારશૂન્યતા,
મરજી પડી છે તેમ ગુજારી છે જિંદગી.

———————————-

એક પળ પણ એના વિના ચાલતું નહોતું ’મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઇ.

————————————-

— મરીઝ  —

Categories: મરીઝ

’ચૂંટેલા શેર’

તારે ના આપવું હો કશું તો સાફ વાત કર,
માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી.

———————————-

દાદ નો આભાર, કિંતુ એક શિકાયત છે મને
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

———————————-

હું એ જોવાને કયામતમાં નહીં જાઉં ’મરીઝ’
આદમી સૌના દિલાસાનો વિષય થઇ જાય.

————————————

થઇ ગયું એકાંત પૂરું ઓ ’મરીઝ’
અંતકાળે લોકો ભેગા થઈ ગયા.

————————–

મને શ્રધ્ધા ભલે ને હોય કે ઇશ્વર બધાનો છે
દુઆ એવી કરું છુ જાણે મારા એકલાનો છે.

—  મરીઝ  —

Categories: મરીઝ

“મુક્તક”

કિસ્મતને હથેળીમાં હંમેશા રાખો,
ચહેરાની ઉપર એની ન રેખા રાખો.
દેવાને દિલાસો કોઇ હિંમત ન કરે,
દુ:ખ દર્દંમાં પણ એવી પ્રતિભા રાખો.

——————————–

આ ઝીણાં રમકડા બહુ મનહર લાગ્યા,
સૌંદર્ય અને રંગથી સરભર લાગ્યા.
ઇન્કાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો,
હસ્તાક્ષરો તારા મને સુંદર લાગ્યા.

———————————

જેવી મળે એવી જ સલામત રાખું,
હૂરોને ન સ્પર્શું ન મદિરા ચાખું.
એ હાલ છે જીવનનો કે દુનિયામાં અગર,
જન્નત જો ખુદા દે મને વેચી નાખું.

—   મરીઝ   —–

Categories: મરીઝ

મરીઝ

ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,
તું પણ હવે ન જોઇએ તારા જવાબમાં

બીજી છે એની શોભા કે ખાલી પડી રહે,
ફૂલો ન હો તો કંઇ ન ભરો ફૂલછાબમાં

પીતો રહ્યો સુરા કે ન બદનામ કોઇ હો,
લોકો કહે ખુવાર થયો છે શરાબમાં

એવો ડરી-ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઇ છે હિસાબમાં

જામી રહ્યો છે એમ અમારા પ્રણયનો રંગ,
ધીમી ગતી જે હોય છે ખીલતાં ગુલાબમાં

–  મરીઝ  –

Categories: મરીઝ

કરજદાર છું

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

ચાહ્યુ બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે.

આવી ને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ’મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

–  મરીઝ  –

Categories: મરીઝ