Archive

Archive for the ‘રમત’ Category

રમત – ૩

“અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક સવાલ ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એની વિડીયો સી.ડી. બને, પહેલી વાર સાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ ગંદી રમત રમી રહ્યુ છે. જે પણ હોય, પણ હવે, જ્યાં સુધી આ બધી ગુંચવણમાંથી અસલીયતને બહાર નહી લાવું ત્યાં સુધી મનેય ચેન નહી પડે” મહેતા સાહેબ મનોમન વિચારવા લાગ્યા.

મહેતા સાહેબે સી.ડી. લઇને કોન્સ્ટેબલ દેસાઇને ઇશારો કર્યો “આ સી.ડી. ને પ્લે કરો “

પોલીસ સ્ટેશનમાં હાજર દરેકનું ધ્યાન હવે સી.ડી. પર હતુ.

જેવી સી.ડી. પ્લે થઇ કે પહેલો જ માણેકલાલનો બંગલો દેખાયો ’માણેકભવન’. માણેકભવન’ ને જોવો એ પણ એક લ્હાવો હતો. લોકો તો ’માણેકભવન’નો ફોટો પણ જુએ ને તો એને પોતાનુ સૌભાગ્ય સમજતાં હતા. પરંતું જેમ જેમ સી.ડી. આગળ વધતી ગઇ તેમ તેમ પોલીસસ્ટેશનમાં હાજર દરેકનાં ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. જાણે એવું કંઇક જોઇ જોઇ રહ્યા છે જે આજ સુધી પહેલાં ક્યારેય જોયું જ નથી. ’માણેકભવન’નો અદભુત નઝારો કોઇ અલગ જ દુનિયાનો અહેસાસ કરાવી રહ્યો હતો. જાણે કે ’માણેકભવન’ કંઇ કેટલાય રહસ્યો ધરબીને બેઠો હોય. અને બધા રહસ્યો એક પછી એક ખુલી રહ્યા હોય. સી.ડી ખરેખર ચોંકાવનારી હતી એ વાતની સાબીતી હતી ઇન્સ્પેક્ટર મહેતા અને બાકી તમામનાં ખળભળી રહેલા ચહેરા. હવે અનિકેતનો ચહેરો સાફ દેખાઇ રહ્યો હતો. પણ ચહેરો ખુબ જ ભયાનક અને વિકરાળ હતો. એના હાથમાં લાલ રંગની કંઇક વિચિત્ર વસ્તુ દેખાઇ રહી હતી. મહેતા સાહેબ એને ધ્યાનથી જોવા લાગ્યા. એ એક લાલ રંગની છડી હતી જેની ટોચ પર કાળા રંગનું વાઘનું માથું બનાવેલું હતું જેની ડાર્ક બ્લુ રંગની ઝગમગ થયા કરતી આંખો ખુબ જ ભયાનક લાગતી હતી. અનિકેત તીવ્ર ગતિથી માણેકલાલના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો અનિકેત હવે એકદમ જ દોડતો સીડીઓ ઉપર ચઢીને સીડીની બાજુમાં આવેલ એક દિવાલ પાસે આવીને ઉભો રહી જાય છે અને કંઇક શોધવાનો પ્રયાસ કરે છે. અને પછી એક હળવું સ્મિત કરે છે જાણે એ જે શોધવા મથતો હતો એ એને મળી ગયુ હોય. દીવાલની બાજુમાં એક કલાત્મક ટેબલ અડકાવીને રાખેલું હતું એ ટેબલને ખસેડતા જ ટેબલની પાછળ એક કાળા રંગનુ એવુજ વાઘનું માથુ હતું જેવું અનિકેતેના હાથમાં રહેલી લાલ રંગની છડી પર હતું. અનિકેત એ વાઘના માથાની સામે પોતાની લાલ છડી ઉપરના એ વાઘના માથાને લાવે છે અને ત્યાં જ બન્ને વાઘની ડાર્ક બ્લ્યુ રંગની આંખો લાલ રંગમાં પરિવર્તિત થાય છે અને એક જોરદાર અવાજ થાય છે અને પછી ધીમે ધીમે દિવાલમાંથી એક રહસ્યમય દરવાજો ખુલે છે. દરવાજો ખુલતાં જ અનિકેત એક વિશાળ રૂમમાં પ્રવેશ કરે છે જ્યાં ભવ્યાતિભવ્ય આસન પર માણેકલાલ બેઠા હતા. અનિકેતનો વિકરાળ દેખાતો ચહેરો માણેકલાલ સામે જોઇને ગંદુ અટ્ઠાસ્ય કરે છે. પરંતુ જાણે માણેકલાલ પર એ અટ્ટહાસ્ય કંઇ જ અસર ન થઇ હોય એમ એકદમ શાંત અવસ્થામા અનિકેતની સામે જોઇ રહ્યા. ત્યાં જ અનિકેત હાથમાં રહેલી એ વિચિત્ર દેખાતી છડીને માણેકલાલની સામે ધરે છે ત્યાં જ ડાર્ક બ્લ્યુ રંગની આંખો લાલ રંગમાં પરિવર્તીત થઇને પહેલ કરતા પણ વધુ ભયાનક લાગવા માંડે છે. અને આંખો લાલ થતાં જ એમાંથી ઘણો જ વિચિત્ર અને ભયંકર આજ સુધી ક્યારેય સાંભળ્યો ના હોય તેવો અવાજ નિકળે છે માણેકલાલ એ અવાજ સાંભળતાં જ બંન્ને હાથ માથાં પર મુકીને જોર જોર થી બુમો પાડવા લાગે છે. અને જોત જોતામાં જ તેઓ એ જ આસન પર ઢળી પડે છે. અને ઢળતાં વેત જ એમનું મ્રુત્યુ થઇ જાય છે, ફરી એક વાર અનિકેતનો વિકરાળ ચહેરો એક ગંદુ અટ્ટહાસ્ય કરે છે. અને સી.ડી. ત્યાજ પુરી થાય છે.

સી.ડી. જોયા પછી દરેકનાં મનમાં કેટલાય પ્રશ્નાર્થચિન્હ ઉમેરાઇ ગયા. આ ચક્ક્રર આખરે છે શુ ? આવું કેવી રીતે શક્ય છે ? એવું લાગી રહ્યુ હતું કે જાણે કોઇ હોલીવુડ્ની ફિલ્મ કે ફિલ્મનું દ્રષ્ય ચાલી રહ્યુ હોય અને ઉપરથી લાલ છડી ? એવું તો શું હશે એ લાલ છડીમાં કે માણેકલાલની સામે લાવવાથી એના અવાજથી એમનું ખુન થઇ શકે ?

હવે શું કહેશો મહેતા સાહેબ ? હજું પણ તમને લાગે છે કે હું તમને મુરખ બનાવી રહ્યો છું ? વિચારમગ્ન વાતાવરણને ચિરતો અનિકેત બોલ્યો.

“સી.ડી. ચોંકાવનારી જરૂર છે અનિકેત પણ, સી.ડી. સાચી છે કે ખોટી એ હજુ પુરવાર કરવાનું બાકી છે. અને એ પુરવાર થયા પછી સાબિત થશે કે તુ અમને મુરખ બનાવી રહ્યો છે કે પછી કોઇ તને મુરખ બનાવી રહ્યુ છે. ટેકનોલોજી ઘણી એડવાન્સ થઇ ગઇ છે. એવા કેટલાય સોફ્ટવેર માર્કેટમા ઉપલબ્ધ છે જેનાથી ગણતરીના કલાકોમાં તમે ઇચ્છો એવા વિડીયો બનાવી શકાય છે. તુ એક એન્જિનીયર છે એટલે વધુ સારી રીતે સમજી શકે છે. આથી ફોરેન્સિક લેબ જ્યાં સુધી એની સત્યતાને પુરવાર ન કરે ત્યાં સુધી કોઇ પણ જાતના નિર્ણય પર આવવું એ ઉતાવળ ગણાશે.” મહેતા સાહેબને સી.ડી. હજુ પણ શંકાસ્પદ જણાતી હતી

“ફોરેન્સિક લેબ” એક વૈચારીક સ્મિત કરતો અનિકેત ખુરશી પરથી ઉભો થાય છે. ફોરેન્સિક લેબ પણ એને ખોટી સાબિત નહી કરી શકે, એ કોઇના ભેજાની ઉપજ નથી અને કોઇ સોફ્ટવેરની કમાલ પણ નથી. એ સી.ડી.નું એક એક દ્રષ્ય સાચું છે. જે પુરવાર થઈને રહેશે. અને……………અને………..

અનિકેત શુ થઇ રહ્યુ છે તને. તુ બરાબર તો છે ને

અને………અને………..

અનિકેત……………અનિકેત…………..

અચાનક જ અનિકેત જ્યાં ઉભો હતો ત્યાં જ ફસડાઇ પડ્યો. અને પડતા વેંત જ બેહોશ થઇ ગયો.

અનિકેત..અનિકેત…કોન્સ્ટેબલ યાદવ અનિકેતને હોશમાં લાવવાનો પ્રયાસ કરતા હતા. “અચાનક શું થઇ ગયું આ છોકરાને ? હમણા તો પુરેપુરો સ્વસ્થ હતો”

યાદવ એને ગમે તેમ કરીને હોશમાં લાવો એનું હોશમાં આવવું ખુબ જ જરૂરી છે. ઇન્સ્પેક્ટર મહેતા હવે અનિકેતની બાબતને ગંભિરતાથી લઇ રહ્યા હતા

ત્યાં જ ટેલીફોનની ઘંટડી વાગે છે. “હજું તો એક પ્રોબ્લમની શરૂઆત થઇ છે ત્યાં કોઇ બીજી……..” કોનો ફોન હશે સવાર સવારમાં, મહેતા મનોમન બબડ્યા

“એસ. પી રાઠોડ હિયર” ફોન રિસીવ કરતાં જ સામે છેડેથી અવાજ આવ્યો

“ગૂડ મોર્નીંગ સર”

“ગૂડ મોર્નીંગ મહેતા”, “અત્યારે ૭:૩૦ વાગ્યા છે તમારા પોલીસ સ્ટેશનથી મારા ઘર સુધીનું અંતર ૨૦ મિનિટનું છે. એક ખુબ જ ઇમ્પોર્ટન્ટ કેસ વિશે તમારી સાથે ડિસ્કશન કરવાનુ છે. તો ઠીક ૮:૦૦ વાગે હું તમને મારા ઘરે મળવાનું પસંદ કરીશ. અશા રાખું છુ, તમે મોડા નહી પડો.” સાવ ટૂકુંને ટચ, મુદ્દા પર મુદ્દાની વાત, ટાઇમ લીમીટ પણ આપી દીધી અને ઓર્ડર પણ, આ જ તો ખાસીયત હતી એસ. પી. બલભદ્રસિંહ રાઠોડની

“ઓ.કે સર હું ઠીક ૮:૦૦ વાગે પહોંચી જઇશ” એસ પી રાઠોડ જ્યારે કોઇ પણ ઇમ્પોર્ટન્ટ કેસ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે એમની વાતને વચ્ચેથી કાપવી કે પછી કોઇ પણ જાતનો સવાલ પૂછવો એ એમને પસંદ નહોતું એટલે જ આમ અચાનક યાદ કરવાનું કારણ પૂછવાનું ઇન્સ્પેક્ટર મહેતાએ માડી વાળ્યુ. “સર મારે પણ તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશ કરવાની છે. જેના માટે હું તમને મળવા અંગે વિચારી રહ્યો હતો”

“હા, હા જરૂર મિ. મહેતા, ઠીક ૮:૦૦ વાગે” એટલું બોલીને રાઠોડ સાહેબે ફોન મુકી દીધો.

એવી ત શું વાત હોઇ શકે છે કે એસ.પી. સાહેબે આમ સવારના ૮ વાગે એ પણ એમના ઘરે બોલાવ્યો હશે, જ્યા સુધી હું જાણુ છુ ત્યાં સુધી રાઠોડ સાહેબ કેશ વિશેની કોઇ પણ વાત ઘરે ડિસ્કશ નથી કરતા. તો પછી આજે ? અને એ પણ આમ અચાનક ?

સાહેબ, આ છોકરો ભાનમાં નથી આવી રહ્યો “કોન્સ્ટેબલ દેસાઇએ મહેતા સાહેબના વિચારોને વચ્ચે તોડતા બોલ્યા”

એક કામ કરો દેસાઇ એમ્બ્યુલન્સને ફોન કરો પરિસ્થીતી વધુ વણસે એ પહેલા આ છોકરાને તાત્કાલિક હોસ્પીટલાઇઝ કરવો પડશે. તમે બન્ને અનિકેતની સાથે હોસ્પિટલ જાઓ અને જેવો એ ભાનમાં આવે કે તરત જ મને ઇન્ફોર્મ કરજો. હું એક ઇમ્પોર્ટન્ટ કેશ વિશે ડિસ્કશ કરવા માટે એસ. પી સાહેબના ઘરે જઇ રહ્યો છું પણ ધ્યાન રહે કોન્સ્ટેબલ દેસાઇ અને યાદવને ચેતવતા મહેતા સાહેબ બોલ્યા તમારી કોઇ પણ જાતની ગફલત અનિકેતને ભારે પડી શકે છે. તો સાવધાન રહેજો. કંઇ પણ શંકાસ્પદ જણાય તો મને જાણ કરજો.

“જી સાહેબ” બન્ને એક સાથે બોલ્યા

પણ એ શબ્દો મહેતા સાહેબના કાને અથડાય તે પહેલા સડસડાટ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા. ડ્રાઇવરને ઇશારો કર્યો અને બન્ને જણા સરકારી વાહન “પોલીસ જીપ” માં ગોઠવાઇ ગયા. “અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો એક જ વિષય છે “માણેકલાલ”. એસ.પી સાહેબ જે ઇમ્પોર્ટન્ટ કેસની વાત કરી રહ્યા છે તે માણેકલાલ વિશે તો નહી હોય ને ? આજ સુધી ક્યારેય એસ. પી સાહેબનો આ રીતે ફોન આવ્યો નથી. તો પછી એવો કેવો ઇમ્પોર્ટન્ટ કેસ હશે કે આમ અચાનક જ મને એમના ઘરે બોલાવ્યો હશે ? સવાલો ઘણા હતા અને એનો જવાબ માત્ર એસ પી સાહેબ જ આપી શકે એમ હતા. સવારથી ચકરાવે ચડેલા મહેતા સાહેબ હવે વિચારોમા ખોવાઇ ગયા હતા અને ગાડી પુર ઝડપે એસ. પી. સાહેબના ઘર તરફ આગળ વધી રહી હતી

(ક્રમશ :)

– કુમાર મયુર –

Categories: રમત

રમત – ૨

ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું નામ અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ છે. આ આઘાતજનક ખબરે સમગ્ર ઉદ્યોગજગતને હચમચાવી મુક્યુ છે. માણેકલાલ શાહ અને આત્મહત્યા ? આ વાત કોઇના ગળે ઉતરે એવી નથી. ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા “દુનિયાની મોટી મોટી કંપનીઓને એકલે હાથે હંફાવનાર માણસ આત્મહત્યા જેવું હિચકારું ક્રુત્ય અને અંતિમ પગલું ભરી જ ના શકે ? માણેકલાલનું આમ અકાળે મ્રુત્યુ ઘણા સવાલો ઉભા કરે છે અને શંકા પણ”

“માણેકલાલ શાહનું ખુન થયુ છે ઇન્સ્પેક્ટર સાહેબ એમણે કોઇ આત્મહત્યા નથી કરી” મહેતા સાહેબના વિચારોને તોડતા અનિકેત બોલ્યો ”અને એ ખુન મે કર્યુ છે”

“એક બાજુ સવારે ૬:૩૦ વાગે એક છોકરો પોલીસ સ્ટેશને આવીને એમ કહે છે કે મેં સવારે ૫ વાગે માણેકલાલ શાહનું દિલ્હી સ્થિત એમના જ બંગલામા ખુન કર્યુ છે. જ્યારે એ દિલ્હી ક્યારેય ગયો જ નથી અને બીજી બાજુ આ સવારે ૮ વાગે ન્યુઝ આવે છે કે માણેકલાલ શાહની લાશ એમના જ બંગલામાં મળી આવી છે અને એમણે આત્મહત્યા કરી હોય એમ લાગે છે. વાત ગુચવાડે ચઢતી હોય એમ લાગે છે હવે એના મૂળ સુધી પહોચવું જ પડશે. મહેતા મનોમન વિચારવા લાગ્યા હવે આ છોકરાની વાતને ગંભીરતાથી લેવી પડશે

“હવે તો તમે માનશો ને કે હું બકવાસ નથી કરી રહ્યો”. અનિકેતે મક્કમ પણ શાંત અવાજે કહ્યુ

“જો અનિકેત તુ જે કંઇ પણ બોલી રહ્યો છે એ પુરા હોશમાં બોલી રહ્યો છે ને, તુ જાણે છે ને કે તુ એક એવા ખુનની કબુલાત કરી રહ્યો છે જેની સજા ફાંસી હોઇ શકે છે.”

“ગુનો કર્યો છે તો પછી સજાથી શું ડર ? સજા તો ભોગવ્યે જ છુટકો”

“હવે મને એક વાતનો જવાબ આપ અનિકેત તુ કઇ રીતે કહી શકે છે કે આ ખુન તેં જ કર્યુ છે. તારુ કહેવું છે કે તેં માણેકલાલ શાહના બંગલામાં જ એમનું ખુન કર્યુ છે. પણ તુ દિલ્હી ક્યારેય ગયો નથી. એ કેવી રીતે શક્ય છે ? જો તુ ત્યાં ગયો જ નથી તો તે ખુન કર્યુ કેવી રીતે. ?”

“કેમ ? કેવી રીતે ? અને કયા કારણસર ? આ ત્રણ એવા સવાલ છે જેના જવાબ હાલ મારી પાસે પણ નથી પણ એક વાત ચોક્કસ છે કે ખુન મેં જ કર્યુ છે.”

થોડા સમય માટે જો તારી વાત માની પણ લઇએ કે માણેકલાલનું ખુન તે કર્યુ છે. તો પ્રશ્ન એ થાય કે તુ ખુન કર્યા પછી ભાગી જવાના બદલે પોલીસ સ્ટેશને કેમ આવ્યો ? તેં ખુન કર્યુ છે એવું કોઇ વિચારી પણ શકે એમ નથી એને સાબિત કરવું તો બહું દુરની વાત છે. દુર દુર સુધી પણ માણેકલાલ શાહ સાથે કે એમના પરિવાર સાથે કોઇ રીતે સંકળાયેલો હોય એવું પણ મને નથી લાગતું, જે તારા બચાવ માટે એક સૌથી મોટો પ્લસ પોઇંટ છે. તો પછી આ રીતે ખુનની કબુલાત મને તારા પ્રત્યે શંકા પ્રેરે છે. તુ કોઇ પબ્લિસિટી સ્ટંટ તો નથી કરી રહ્યો ને ?

“ચોંકી જશો ઇન્સપેક્ટર મહેતા સાહેબ, તમે ચોંકી જશો. મારી આખી વાત સાંભળશો ને તો તમે પણ ચોંકી જશો”

તમે પણ ચોંકી જશો એટલે ?

હું પણ ચોંકી ગયો હતો જ્યારે મને ખબર પડી કે મેં માણેકલાલનું ખુન કર્યુ છે.

“વાત મુદ્દાની કર અને મુદ્દા પર કર, આમ ગોળ ગોળ ફેરવી ને મને મુરખ બનાવાનો પ્રયત્ન ના કર”

ઠીક છે મહેતા સાહેબ તો પછી સાંભળો

મારૂં નામ છે અનિકેત રાવલ હું એક એન્જિનિયરીગનો વિદ્યાર્થી છું અને હાલ અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.  છેલ્લા કેટલાય સમયથી મારી સાથે કેટલીક વિચિત્ર અને અણધારી ઘટનાઓ ઘટી રહી છે. મને વારંવાર એવો અહેસાસ થઇ રહ્યો છે કે કોઇ મારી આસપાસ ફરી રહ્યુ છે. જાણે કોઇ મારી પર નજર રાખી રહ્યુ છે. હું શું કરુ છું ? ક્યાં જાઉં છું ? ક્યારે ઉઠું છુ ક્યારે સુઇ જાઉં છું. મારી દરેક પ્રવ્રુતિ જાણે કોઇની નજર સામે ચાલી રહી હોય. અને ધીરે ધીરે જાણે કોઇ મારા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હોય. ઘણા પ્રયત્નો કર્યા પરંતું એ પરિસ્થિતિમાંથી બહાર નિકળવું મારા માટે મુશ્કેલ બની રહ્યુ હતું પરંતુ છેલ્લા પંદર દિવસથી મને કંઇક અલગ જ અને ભયાનક અહેસાસ થવા લાગ્યો જાણે મારા હાથે કોઇનું ખુન થવાનુ છે. મારી બેચેની દિવસે ને દિવસે વધતી જતી હતી, અને એક દિવસ અચાનક હું ઉંધમાંથી સફાળો જાગી ગયો, મેં એક ભયાનક સપનુ જોયું જેમાં હું મારી જાતને કોઇનું ખુન કરતાં જોવું છું પણ, પણ હું જેનું ખુન કરી રહ્યો છું એનો ચહેરો હું સાફ જોઇ નથી શકતો. અને મહેતા સાહેબ છેલ્લા એક અઠવાડીયાથી નિયમિત પણે સવારના ૩ થી પ માં જ મને આ સપનું આવતુ હતુ. માન્યામાં ના આવે એવી વાત છે ને મહેતા સાહેબ, પણ આ સાચુ છે. વારંવારની આવી ઘટનાઓને લીધે હું રાતે સંભવત: ઉંઘવાનું ટાળતો હતો. રખે ને ઉંઘમાં જ હું કોઇનું ખુન કરી નાંખુ તો, પરંતુ ખબર નહી ૩ વાગતાં જ મારી આંખો ઘેરાવા લાગતી અને અથાગ પ્રયત્નો છતાં મને ઊંઘ આવી જ જતી અને પ વાગતા જ મારી આંખો ખુલી જતી અને અને બસ ૩ થી ૫ ના આ ગાળામાં જ મને આ સપનું આવતું. પરંતુ જ્યારે આજે મને એ સપનું આવ્યુ ત્યારે હું બધુ જ સાફ જોઇ શકતો હતો, માણેકલાલ શાહનો બંગલો, બંગલાની બહાર પડી રહેતી એમની ગાડી, ધીરે ધીરે હું એમનાં બંગલામાં પ્રવેશુ છુ મને બધુ જ સાફ દેખાતું હતુ હું બંગલો , બંગલાની અંદર બહાર બધુજ જોઇ શકતો હતો હું માણેક્લાલ શાહના રુમમાં પ્રવેશુ છુ અને જોત જોતામાં હું એમનું ખુન કરી નાંખુ છુ. અને બસ ત્યાં જ મારી આંખ ખુલી જાય છે ઘડીયાળમાં જોઊં છુ તો ૫ વાગતા હતા. હું એકદમ ચોંકી ગયો અને ગભરાઇ ગયો મારા હાથે માણેકલાલ શાહનું ખુન ? નહી, નહી એવું ક્યારેય બનવું ન જોઇએ હું ગમે તેમ મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ અચાનક ઘરની બહાર થોડો અવાજ આવ્યો હું બહાર જોવા માટે ઉભો થયો બહાર જઈને જોયું તો કોઇ દેખાયુ નહી મને એમ કે કદાચ મારો ભ્રમ હશે હું પાછો અંદર જવા ગયો તો મારા પગ નીચે કશુંક હોવાનો આભાસ થયો, મે ધ્યાનથી જોયુ તો એ એક સી.ડી. બોક્સ જેવું લાગ્યુ મે એને ખોલ્યુ તો અંદરથી ખરેખર એક સી.ડી જ નીકળી. હું એને ઘરની અંદર લઇ ગયો અને ડી.વી.ડી. પ્લેયરમાં નાંખીને જોયું તો મહેતા સાહેબ મારી આંખો ખુલ્લીને ખુલ્લીજ રહી ગઈ. એ એક વિડિયો સી.ડી. હતી જેમાં હું માણેકલાલ શાહનું ખુન કરી રહ્યો છું. બધુ જ એવી રીતે જે મને સપનામાં દેખાતું હતુ. મહેતા સાહેબ જે સપનું હું છેલ્લા ૧૫ દિવસથી જોઇ રહ્યો હતો એ એક વિડિયો બનીને મારી આંખ સામે ભજવાઇ રહ્યુ હતું હું ચોંકી ગયો અને ગભરાઇ પણ ગયો અને ડરી પણ ગયો. જે હું સપનામા જોઇ રહ્યો હતો એ સી.ડી. માં આવ્યુ કઇ રીતે ? આ રહી એ વિડિયો સી.ડી. જે તમે પણ જોશો તો ચોંકી જશો

(ક્રમશ:)

– કુમાર મયુર –

Categories: રમત

રમત – ૧

છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,
સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું
તમે સમજતા કેમ નથી ?
જો છોકરા હવે બહું થયું, આ પોલીસ સ્ટેશન છે પાગલખાનું નથી,
તારી આ મજાક તને ભારે પડી શકે છે., તારી ભલાઇ માટે કહું છું, ચુપચાપ અહીંથી નિકળીજા નહિંતર એવા હાલ કરીશ કે જીવનમાં કોઇની પણ સાથે મજાક કરવાને લાયક નહી રહે. ઇન્સપેક્ટર મહેતા હવે આક્રમક બની રહ્યા હતા
મારી વાતને મજાક સમજવાની ભુલ કરી રહ્યા છો તમે
શુ નામ છે છોકરા તારુ ? કોન્સ્ટેબલ યાદવે બાજી સંભાળી
અનિકેત રાવલ,
જો બેટા, આ મહેતા સાહેબ છે ને થોડા ગરમ મિજાજી માણસ છે, ક્યાંક ગુસ્સામાં ઉંધો-સીધો હાથ પડી જશે ને તો જીવનભર ખોડખાંપણ રહી જશે, શું કામ તારી દશા બગાડવા માટે આતુર છે ?, એક તો આખી રાતની ડ્યુટી, હજુ ચા પણ પીધી નથી ને સવાર સવારમાં શું મગજ ખરાબ કરવા નીકળી પડ્યો છે.
કમાલ છે મેં એક ખુન કર્યુ છે. હું ગુનાની કબુલાત કરવા આવ્યો છું અને તમને મજાક લાગી રહ્યુ છે. શું તમને હું પાગલ દેખાઉ છું ?  તમે મને ઇગ્નોર કરી રહ્યા છો ઇન્સપેક્ટર સાહેબ કાં તો પછી તમને તમારી ડ્યુટી માં રસ જ નથી.
એ છોકરા, મોઢુ સંભાળીને વાત કર, તુ પોલીસ સ્ટેશનમાં બેઠો છે તારા ઘરમાં નહી, પોલીસ સાથે કેવી રીતે વાત કરવી એનું ભાન છે કે નહી ?
હું તો ભાનમાં જ છું અને મારી શાન પણ ઠેકાણે જ છે બસ તમે જ તમારી ફરજ ચૂકી રહ્યા છો, ઇન્સપેક્ટર સાહેબ
હવે તુ અમને અમારી ફરજ શીખવાડીશ, મહેતા બરાડી ઉઠ્યા
હા, જરૂર પડશે તો, એટલા જ શાંત પરંતુ મક્કમ અવાજે અનિકેત બોલ્યો
ઠીક છે, તો, તેં ખુન કર્યુ છે.
હા
ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહનું,
હા
એમના જ બંગલામાં,
જી બિલકુલ
જાણી શકુ કયા બંગલામાં ?
કયા બંગલામાં એટલે,
મોટા માણસ છે, ઉદ્યોગપતિ છે, તો એમના ઘણા બધા બંગલા હોય, દેશમાં પણ હોય ને વિદેશમાં પણ હોય, તે કયા બંગલામાં એમનું ખુન કર્યુ ?
દિલ્હી સ્થિત “માણેકભવન”
કેટલા વાગે ?
આજે સવારે ૫ વાગે
અત્યારે ૭ વાગી રહ્યા છે, તો તું સવારે ૫ વાગે દિલ્હીથી ખુન કરીને ૬:૩૦ વાગે અમદાવાદ પણ આવી ગયો ? કેવી રીતે ?
સર હું આખી રાત અમદાવાદમાં જ હતો
એટલે ?
એટલે, હું ક્યારેય દિલ્હી ગયો જ નથી.
તુ ક્યારેય દિલ્હી ગયો જ નથી, ક્યારેય નહી
ના ક્યારેય નહી,
ફરીથી બકવાસના કર
બકવાસ નથી,
મારૂ માથું ભમી રહ્યુ છે, ઓ દેસાઇ જા જરા ચા લઇ આવ, આપણી સ્પેશ્યલ,
જી સાહેબ, હમણા જ લઇ આવ્યો,
ઠીક છે, ચલો એ પણ માની લઈએ,  તો તુ ખુન કરીને ભાગી જવાના બદલે પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો ?
સર માણસ મુસીબતોથી દુર ભાગી શકે છે, કિસ્મતથી નહી અને આજે નહી તો કાલે હું પકડાઇ જ જાત
મને એક વાત સમજાવ તુ દિલ્હી ક્યારેય ગયો નથી તો તેં ખુન કેવી રીતે કર્યુ ?
ખુન કર્યુ છે એ ખાત્રી પૂર્વક કહી સકું છુ, કેવી રીતે ? એ શોધવાનું કામ પોલીશનું છે.
જો છોકરા મારી ધીરજની પરીક્ષા ના કર, ચુપચાપ અહીથી ચાલી નિકળ, નહીતર આજનો દિવસ તારી જીંદગીનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હશે
મહેતા સાહેબ, ઓ મહેતા સાહેબ “કોન્સ્ટેબલ દેસાઇ દોડતો અને હાંફતો આવે છે.
શુ થયું આટલી બુમો કેમ પાડે છે સવાર સવારમાં
અરે મહેતા સાહેબ વાત જ એવી છે તમે પણ સાંભળશો તો ચોંકી જશો.
એ યાદવ જરા ટી.વી. ઓન કર, કોન્સ્ટેબલ દેસાઇ હજુ પણ હાંફતો હતો
ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ
(ક્રમશ:)

મિત્રો,
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –

Categories: રમત