તને પામવાની આશ પત્તાનો મહેલ છે.
મારા બધા પ્રયાસ પત્તાનો મહેલ છ.
તારી દયાનો જામ તો છલકે છે પૂર જેમ
મુજ હોઠની ગુંજાસ પત્તાનો મહેલ છે.
પોલાદશી ઇચ્છાઓ વસાવો નહીં તો ઠીક
નશીબનો આવાસ પત્તાનો મહેલ છે.
આબાદ રહી શકે ઘાણા રાતોની નીંદમાં
ઘૂવડને મન ઉજાસ પત્તાનો મહેલ છે.
તૂટ્યા સંબંધ એક પણ ખરી ન કાંકરી
કોણ કાઢી શકે ક્યાસ પત્તાનો મહેલ છે.
ઘર સ્મિતનું બાંધો હવે તો હોઠ પર
આ આંખની ભીનાશ પત્તાનો મહેલ છે.
નિંદરના ઘરો ને તો ઉજાડી ગયો સૂરજ
સ્વપ્નોની બચી લાશ પત્તાનો મહેલ છે.
ખંડેર બસ ઉભા છે. હવે તો છબી તણા
શું ખબર સહવાસ પત્તાનો મહેલ છે.
સંગેમરમરી શરીર ભલે હોય તાજનુ
આખર હરેક શ્વાસ પત્તાનો મહેલ છે.
— રમણ જોષી —