“સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો.
“વિચારોમાં ને વિચારોમાં એસ.પી. રાઠોડનો બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યા
કંઇ કહ્યુ સાહેબ તમે ?
મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને બોલ્યા “તમે હવે જઈ શકો છો”
“જી સાહેબ” મહેતા સાહેબના હુકમને માથે ચડાવીને ડ્રાઇવર ત્યાંથી નિકળી ગયો
રાઠોડ સાહેબનો બંગલો આલીશાન હતો. પહેલી જ વાર આવવાનું થયુ હતુ અને ઘણું બધુ સાંભળ્યુ હતુ બંગલા વિષે અને આજે જોઇ પણ લીધો. ગર્ભશ્રીમંત છે રાઠોડ સાહેબ. આ શાનદાર જાહોજલાલી વારસામાં મળી છે. આટલી બધી જાહોજલાલી નો આસામી એક પોલીસની નોકરી શા માટે કરતો હશે ? એક નિ:સાસા સાથે મહેતા સાહેબે બંગલાની ડોરબેલ વગાડી
થોડી રાહ જોવા છતા દરવાજો ના ખુલ્યો મહેતા સાહેબ ફરીથી ડોરબેલ વગાડવા જતા હતા ને ત્યાંજ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.
દરવાજો ખુલતા જ મહેતા સાહેબ ચોંકી ગયા “એ.સી.પી. તાહીર ખાન ? અહી ?” મનોમન બોલ્યા
“મને પણ આશ્ચર્ય થયુ, મિ.ક્રુષ્ણકાંત મહેતા” કોઇ પણ પ્રકારના હાવભાવ વિના ખાન બોલ્યા.
બન્ને એકબીજાની સામે એવી રીતે જોઇ રહ્યા હતા જાણે ઘણા સમય પછી બે દુષ્મન સામ સામે આવ્યા હોય
તમે અંદર આવી શકો છો.
“મને ’આભાર’ કહેવાની બિલકુલ આદત નથી” ખાનની વાતને અવગણીને અંદર પ્રવેશતા એક નફરત ભર્યા અંદાજથી મહેતા સાહેબ બોલ્યા
“એને કુટેવ કહેવાય મિ. મહેતા.”
“ઠીક છે, તો એને મારી કુટેવ જ સમજી લો, બસ”
“અક્કડ હજુ પણ ગઇ નથી.”
તારા જેવા “હલકટ” માણસ સાથે આ રીતે જ વર્તાય
ઓ “હલકટ” ચહેરા પર એક છીછરું હાસ્ય ફરકાવતા ખાન બોલ્યા “વેરી ગુડ, અને હા મને આભાર કહેવાની આદત છે. ’હલકટ’ કહેવા બદલ ખુબ ખુબ આભાર”
“નાટકબાજીમાં તુ ખરેખર લાજવાબ છે ખાન, અને એક વાર તો હું પણ એમાં સપડાઇ ચૂક્યોં છું”
“કેટલીક વાર જે દેખાય છે, એ સાચું જ હોય, એ જરૂરી નથી મહેતા” ખાન ના ચહેરા પર હવે એક નરમાશ હતી “તને કોઇ ગેરસમજ થઈ છે”
મારા વાક્યને હું ફરીથી દોહરાવીસ “નાટકબાજીમાં તુ ખરેખર લાજવાબ છે ખાન, પણ, હવે તારા કોઇ પણ નાટકની અસર મારી પર નહીં થાય”
“હું અહી કોઇ સફાઈ આપવા નથી આવ્યો મહેતા, તારે જે સમજવું હોય તે સમજ”
“તારા આ નાટકનો ખેલ કોઇ બીજા આગળ જઇને ભજવ, એની ધારી અસર થશે ને તો, બે પૈસા વધારે રળી આપશે” દાંત કચકચાવીને ગુસ્સામા મહેતા બોલ્યા
“હવે તુ હદ પાર કરી રહ્યો છે મહેતા” ખાન પણ ગુસ્સામાં આવીને મોટા અવાજે બોલ્યા
“ઓહો……હો…હો…. ખાન સાહેબને, ઓહ સોરી એ.સી.પી. ખાન સાહેબને ગુસ્સો આવી ગયો” રમુજી અંદાજમાં મહેતા બોલ્યા “એક આ કુટેવ પણ છે મારામાં, ખાન ”
“હું તારી સાથે કોઇ ભેજામારી કરવા નથી માંગતો”
“મને પણ એવો કોઇ જ શોખ નથી” બન્ને જણા એક નફરતી અંદાજથી એકબીજા સામે ઘુરકી રહ્યા
“મિ. મહેતા અને મિ. ખાન” પાછળથી એક બુલંદ અવાજ સંભળાયો, બન્ને અવાજની દિશામાં વળ્યા તો પાછળ ઉભા હતા એસ. પી. બલભદ્રસિંહ રાઠોડ. એમનો દેખાવ અને પ્રભાવ બન્ને એમના અવાજ જેટલો જ બુલંદ હતો. “તમારી આ યાદગાર મુલાકાતનો શ્રેય લેવાનું હું ચોક્કસથી પસંદ કરીશ” થોડુ અટક્યા, બન્નેની સામે એક ધારદાર નજર કરીને ફરી બોલ્યા “એક સમયના બે જીગરજાન મિત્રો, આજે દુષ્મન બનીને મળી રહ્યા હોય, અને એ મુલાકાતનો શુત્રધાર જો હું હોઉં તો પછી યાદગાર મુલાકાતનો શ્રેય મને કેમ ન મળવો જ જોઇએ ?” અને પછી બન્નેની સામે એક પ્રશ્ન તરતો મુકતા હોય એમ બન્નેની આંખમાં આંખ પરોવીને બોલ્યા “આ વિશે તમે શુ કહેશો ?”
“ગુડમોર્નીગ સર” બન્ને એકસાથે બોલ્યા
“ફોર્માલીટીઝની કોઇ જ જરૂર નથી” બન્નેના માન સુચક શબ્દનો છેદ ઉડાડતા રાઠોડ સાહેબ બોલ્યા “કામની વાત કરીશું”
“ચોક્કસથી સર” મહેતા બોલ્યા
“આજ સવારના આધાતજનક ન્યુઝથી તમે બન્ને વાકેફ હશો ” હાથમાં રહેલા મોબાઇલ ફોનને એક કાચની ટીપોઇ પર મુ્કીને સોફામાં બેસતા રાઠોડ સાહેબ બોલ્યા “રહસ્યમય રીતે દેશના અગ્રણી, માનવંતા અને લોકલાડીલા ઉદ્યોગપતી માણેકલાલ શાહની લાશ એમના જ બંગલામાંથી મળી આવી. અને દિલ્હી પોલીસ સાથે હમણાં જ મારી વાત થઇ એમના કહેવા અનુસાર માણેકલાલ શાહે આત્મહત્યા કરી છે” થોડું અટકીને રાઠોડ સાહેબે બન્નેના ચહેરા તરફ નજર કરી, ખાન અપેક્ષા મુજબ ઉત્સુકતા વિના શાંત મુદ્રામા જણાતા હતા જ્યારે મહેતા આગળની વાત જાણવા માટે ઉત્સુક જણાતા હતા “પણ હકીકતમાં એક ચોક્કસ ષડયંત્ર રચીને યોજના મુજબ માણેકલાલનું ખુન કરવામાં આવ્યુ છે” હવે બન્નેના ચહેરાના હાવભાવમાં એક ચોંકાવનારો તફાવત જોવા મળ્યો “રાષ્ટ્રિય કક્ષાનું એક એવું ષડયંત્ર જેમા આંતરરાષ્ટ્રિય સમુદાય પણ સામેલ છે. અને ષડયંત્ર પણ એવું કે માણેકલાલના ખુનને ખુબી પૂર્વક આત્મહત્યામા તબદીલ કરી નાખવું. ફોરેન્સિક સાયન્સ માટે પણ પૂરવાર કરવું અઘરું થઇ જાય કે એ ખુન છે કે આત્મહત્યા” આટલું બોલીને રાઠોડ સાહેબ અટકી ગયા જાણે સામે બેઠેલા ખાન અને મહેતા તરફથી કોઇ પ્રશ્નની અપેક્ષા હોય
આ તમે શું કહી રહ્યા છો સર ? રાષ્ટ્રિય કક્ષાનું ષડયંત્ર અને એમાં આંતરરાષ્ટ્રિય સમુદાય પણ સામેલ છે
“તમારી શ્રવણશક્તિ ખુબ જ સારી છે, મહેતા અને હું એ જ બોલ્યો છું જે તમે સાંભળ્યુ છે”
“પણ સર, એક ઉદ્યોગપતિના મોત માટે રાષ્ટ્રિય ષડયંત્ર ? અને એમાં આંતરરાષ્ટ્રિય સમુદાયની સામેલગીરી ? માફ કરશો રાઠોડ સાહેબ પણ સમીકરણ સમજમાં નથી આવતુ” તાહીર ખાન ગૂંચવણ અનુભવી રહ્યા હતા
“મહેતા સાહેબના મનમાં પણ હવે સવારની ઘટના આકાર લેવા લાગી. પેલા છોકરા અનિકેતનું પણ કહેવું એમ જ હતું કે માણેકલાલનું ખુન કરવાંમાં આવ્યુ છે અને ઉપરથી સાબીતી રૂપે પેલી વિડીયો સીડી. હવે એમને લાગ્યુ કે સવારની ઘટનાની જાણ રાઠોડ સાહેબને કરવાનો સમય આવી ગયો છે. મહેતા સાહેબ એ આખી ઘટનાને શબ્દદેહ આપવા જ જતાં હતા ત્યા ફરી એકવાર બુલંદ અવાજે રાઠોડ સાહેબ બોલ્યા”
“માણેકલાલ શાહ કોણ હતા ? એ હકિકત દેશ જ નહી, પણ આખી દુનિયા જાણે છે, પણ માણેકલાલ શાહ શું હતા ? એ હકિકત આંગળીના વેઢે મુકી શકાય એટલા લોકો જ જાણે છે” પરંતુ મારા મિત્રો, બન્ને તરફ માનસૂચક નજર કરીને રાઠોડ સાહેબ આગળ બોલ્યા “એ આંગળીના વેઢે મુકી શકાય એમાથી જ, કોઇ એક, એમના રહસ્યમય મોતનું કારણ બન્યો છે”
“તાહીર ખાન માટે તો એક એક શબ્દ ચોંકાવનારો હતો જ્યારે મહેતા માટે તો આ સિલસિલો વહેલી સવારથી જ ચાલુ થઇ ગયો હતો”
“માણેકલાલ શાહ શું હતા ? એ જેટલા લોકો જાણે છે એમાંનાં એક છે મારા યુવાન મિત્ર ’અખિલેશ ચોધરી’”. દુરથી અમારી નિકટ આવી રહેલી એક અજાણી વ્યક્તિ તરફ નજર કરી રહેલા રાઠોડ સાહેબ એ વ્યક્તિના એકદમ નજીક આવવાથી એની ઓળખાણ કરાવતા બોલ્યા. “અખિલેશ ચૌધરી, ભારતની જાસૂસી સંસ્થા રો (રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ)ના એક હોનહાર અને કાબેલ ઓફીસર અને એક ખુફીયા એજન્ટ” એ તમને જણાવશે કે માણેકલાલ શાહ શું હતા
(ક્રમશ:)
– મયુર “અભણ” –