હમણાં જ થોડા સમય પહેલાં, એક યુવતી ચર્ચામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો કદાચ પ્રિયા નામ હતું એનુ, આખું નામ થોડૂ ઓકવર્ડ છે, એટલે ટુંકમાં પતાવ્યુ,
અમારા મિત્ર વર્તુળનું વોટ્સએપનુ એક ગ્રુપ, જેમાં મારો ખાસ મિત્ર રમણ, એ યુવતીના ફોટા બહુ શેર કરવા લાગ્યો, બસ એમાંથી એક તુક્કો સુજ્યો, અને મે પણ એક રિપ્લાય કરી દીધો
રિપ્લ્યાય હતો ” ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા હતી ’કરણઘેલો’ પણ, તારૂ નામ અને કામ જોતા મને લાગે છે કે મારે હવે લખવી પડશે ’રમણઘેલો’ “
અને વોટ્સએપ પર અમસ્તા જ મજાક મજાકમાંજ થઈ ગયું એક સર્જન “રમણઘેલો -એક ટ્રેલર” નુ
પ્રસ્તુત છે “રમણઘેલો – એક ટ્રેલર”
“સોશીયલ મીડિયામા વાયરલ થયેલો એક વિડીયો, જેમા એક સ્કુલમાં ભણતી યુવતી આંખોના ચેનચાળા કરીને દેશના લાખો યુવાઓને બેચેન કરી મુકે છે સોશીયલ મિડીયામાં તો એને એક નેશનલ સેન્સનેસ્નલ ન્યુઝ બનાવી દેવામાં આવે છે, પરંતુ એનાથી પણ મોટી સેન્સનેસ્નલ ન્યુઝ ત્યારે બને છે જ્યારે ભરબપોરે અજાણ્યા યુવકો દ્વારા એ યુવતીનું અપહરણ કરી લેવામાં આવે છે
એફ-૯ ન્યુઝ ચેનલની ઓફીસમાં એક મિટીંગ યોજાય છે, અને પોલીસ આ કામને અંજામ આપે અને અપહરણ કરનારાઓને શોધી કાઢે એ પહેલા, એફ-૯ ન્યુઝ ચેનલ દ્વારા જ એને શોધી લેવામાં આવે અને અપહરણકર્તાઓથી મુક્ત કરી લેવામા આવે તો ચેનલનુ નામ રાતોરાત ટોપ પર આવી જાય એના માટે એક ફુલ પ્રુફ પ્લાન ઘડી કાઢવામા આવે છે.
પણ આખરે આ કામને અંજામ આપે કોણ, ચેનલની મેનેજર શીલા કહે છે “આ કામને ફક્ત એક જ માણસ અંજામ આપી શકે છે, જે બાહોશ, ચપળ, તેજ, તીક્ષ્ણનજરધારી, તે ગમે તેવી અણધારી મુશીબતો ને મ્હાત આપી ધારેલું કામ પાર પાડીને, દુશ્મનોને ધોળે દિવસે તારા દેખાડી શકે છે, જે પહેલા પણ આવા ઘણા કામ કરી ચુક્યો છે, એનુ નામ છે રમણ ઘેવરચંદ લોહીયા, ઉર્ફે “રમણઘેલો”
’તને આકાશનો તારો ગમે કે પંખીનો માળો’ આવા વાહિયાત સવાલો પુછીને એ હંમેશા યુવતીઓ જોડે ફ્લર્ટ કરતો જ્યારે યુવતી પુછતી કે ’આકાશના તારા અને પંખીના માળા વચ્ચે શુ મેળ ?’ ત્યારે એ મનમોજીલો જવાબ આપતો ’મેળ હું બેસાડી દઈશ તુ ખાલી એમ કે તને બે માંથી શુ ગમે ?
શીલા જોડે વાત કરતા એ હંમેશા લસરી પડતો, હાય રસુ (એ શીલા ને હમેશા રસીલા કહીને જ બોલાવતો, અને પ્રેમથી હંમેશા રસુ કહેતો), આટલા વર્ષો થયા પણ હજુ જ્યારે તુ બોલે છે ને ત્યારે તારા મુખેથી શબ્દે શબ્દે રસ ટપકે છે’ અને “તારા મોઢેથી લાળ ” શીલા ફટાક દઈને જવાબ આપી દેતી, “આવા અપમાનજનક શબ્દો વાપરીને મારી લાગણીને પ્રદુષીત ના કર, તારો એક એક શબ્દ મારા કાળજાને ચીરીને કટકે કટકા કરી નાખે છે હ્રદયભગ્ની”
પછી આકાર લે છે એક એવી વાર્તા જેમાં પ્રપંચ, દગાખોરી, ભરપુર એક્શન, રોમાન્સ, થ્રીલર અને રહસ્યમય હાસ્યરરસ, ઠાંસી ઠાંસી ને ભરવામાં આવ્યો છે “રમણઘેલો કેવી રીતે એ અપહરણકર્તાઓના સકંજામાથી એ યુવતી ને છોડાવી લાવે છે
રમણઘેલો ગુંડાઓ સામે બંદુક તાકીને ઉભો છે ’ ખબરદાર જો કોઇ હલ્યા છે તો એક એકને ભડાકે દઈશ, ત્યાંજ બાજુમાં ઉભેલ “આંખોથી ચેનચાળા કરતી” યુવતી બોલે છે “ઘેલા એ બંદુકમાં ગોળી જ નથી, ખાલી છે”, ઘેલો એની સામે ગુસ્સાભરી નજરે જોવે છે અને દાંત કચકચાવીને બોલે છે ’તારામાં અક્કલ જેવુ કઈ છે કે નહી અક્કલમઠી, મુંગી મરને’ ગુંડાઓનો સરદાર આ સાંભળી જાય છે અને જોર જોરથી હસવા લાગે છે અને બોલે છે અમને ખબર છે કે આ બંદુકમા ગોળીઓજ નથી, ત્યાંજ આપણો રમણઘેલો સંવાદ મારે છે ’ ભરેલી બંદુકથી તો કોઇ પણ ગોળી ચલાવી શકે પણ જે ખાલી બંદુકમાથી ગોળી ચલાવી બતાવે એનુ નામ એટલે રમણઘેલો” આ સાંભળીને ગુંડાઓનો સરદાર બોલે છે એમ તો ચલાવ ગોળી અમે પણ જોઇએ તુ ખાલી બંદુકમાથી કેવી રીતે ગોળી ચલાવે છે’
“રે’વાદે તડબુચ ખોટો જીવ ખોઇ બેસીસ ને વાર્તા અહી પુરી થઈ જશે’’ ઘેલો ઉવાચ
એમ તો પછી આ મારા પાર્ટનર પર ગોળી ચલાવ સરદાર બોલ્યો, ત્યાં જ રમણઘેલો બંદુકનૂ ટ્રીગર દબાવે છે ને એક ઢીસક્યાંઉ… કરતો અવાજ આવે છે બંધુકમાંથી ગોળી છુટે છે ને સરદારનો પાર્ટ્નર ધડામ કરતો નીચે ઢળી પડે છે, ત્યાં ઉભેલા બધા સ્તબ્ધ થઈ જાય છે ખાલી બંદુકમાથી ગોળી નીકળી કઈ રીતે ખુદ રમણઘેલો પણ સ્તબ્ધ
ત્યાં જ “આંખોથી ચેનચાળા કરતી“ યુવતી ખુશી થી ઉછળી પડે છે અને જોર જોરથી તાળીઓ પાડતા બોલે છે “વાહ રમણઘેલા વાહ તે તો કમાલ કરી દીધી”
ને “રમણઘેલો” નું ટ્રેલર અહીં પૂરું થાય છે
— મયુર “અભણ”—