કરજદાર છું

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

ચાહ્યુ બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે.

આવી ને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ’મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

—  મરીઝ  —


4 thoughts on “કરજદાર છું

  1. મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
    શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
    તક્દીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
    સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
    ત્યાં સ્વગૅ ના મળે તો મુસીબતનો પોટલો
    મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
    કેવા શુકનમાં પવૅતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.
    શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.
    ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિત ને,
    મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
    મ્રુત્યુની ઠેસ વાગશે તો શું થશે ” જલન”,
    જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

    -જલન માતરી

Thanksm, For Join